ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને પજવણી કરી, છેડતી કરવા તેમજ સમજાવવા જતા તેમના પરિવારજનો પર ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં પોલીસને તાકીદની કાર્યવાહી કરી, તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં રહેતી એક તરુણ વયની વિદ્યાર્થીનીને સમીર સલીમ સૈયદ નામનો શખ્સ અવારનવાર પીછો કરી અને છેડતી કરતો હતો. આ અંગે સગીરા દ્વારા તેણીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને પરિવારજનો દ્વારા આરોપીના ઘરે જઈને સમજાવા જતા આનાથી ઉશ્કેરાયેલા સમીર સલીમ સાથે ઇબ્રાહીમ ઉર્ફે ભોલો સલીમ સૈયદ, અજીત ઈબ્રાહીમ સૈયદ અને અમીર સલીમશા ફકીર નામના ચાર શખ્સોએ તેમને બીભત્સ ગાળો કાઢી અને લાકડાના ધોકા તથા રીક્ષાના સાયલેન્સર વડે હુમલો કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભ સગીરાના પરિવારજનો દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના અનુલક્ષીને પોલીસે છેડતી કરનાર આરોપી શખ્સ સામે પોક્સો એક્ટ તેમજ ઉપરોક્ત તમામ ચાર શખ્સો સામે મારામારી અને હુમલો કરવા સંદર્ભે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં અહીંના ડીવાયએસપી વી.એમ. માનસેતાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં ઉપરોક્ત તમામ ચાર શખ્સોને ઝડપી લઇને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.