કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધને કારણે યુવતી સહિતના પરિવારજનોએ પ્રેમી યુવાનને મળવા માટે બોલાવી પૂર્વ આયોજીત કાવતરુ રચી લાકડાના ધોકા વડે માર મારી હત્યા નિપજાવ્યાના બનાવમાં ઝડપાયેલા આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતા મહાવીરસિંહ ઉર્ફે મુન્નો જાડેજા નામના 38 વર્ષના યુવાનને તેજ વાડીમાં કામ કરતી આદિવાસી પરિવારની અપરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે પ્રેમ સંબંધ યુવતીના પરિવારજનોને પસંદ ન હોવાથી મહાવીરસિંહનું કાસળ કાઢી નાખવા માટેનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જે પૂર્વઆયોજીત કાવતરાના ભાગરૂપે મહાવીરસિંહને પ્રેમિકાએ વાડીએ બોલાવ્યા પછી પ્રેમિકા નાની બેન સવજીભાઈ બારિયા નાયક ઉપરાંત માતા પિતા સવજીભાઈ માધાભાઈ બારૈયા નાયક અને ગુંજીબેન સવજીભાઈ બારિયા નાયક, ઉપરાંત ભાભી સીમીબેન ભાવેશભાઇ બારીયા નાયક વગેરેએ યુવાનને ઝાડ સાથે બાંધી દઇ ધોકા વડે માર મારી હત્યા નિપજાવી હતી.
જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ચારેય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. જે ચારેયના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હોવાથી વિધિવત ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતાં. જેમાં અદાલતે ત્રણ દિવસની રિમાન્ડની માંગણી મંજૂર કરી છે. પોલીસે હત્યામાં વપરાયેલા ચાર લાકડાના ધોકા તેમજ એક રસ્સો વગેરે કબ્જે કરી લીધા છે.