કાલાવડ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં નાસતાફરતા સુરતના શખ્સને રાજકોટના શાપર ચોકડી પાસેથી પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ પોલીસ સ્ટેશનમાં 2021માં સુરતના મહેશ કાનજી નામના શખ્સે કાલાવડના શબીર હુસેન ડગરી નામના વેપારીની દુકાનમાંથી રૂા.2,00,000ની કિંમતના લોખંડના સળીયાના 45 ભારી લઇને પૈસા નહીં ચુકવી છેતરપીંડી આચરી હતી. આ બનાવમાં શબીર હુસેનની ફરિયાદના આધારે પોલીસે મહેશ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા મહેશ કાનજી કોલડીયા નામનો શખ્સ રાજકોટ જિલ્લાના શાપર ચોકડી પાસે હોવાની મળેલી ગોવિંદ ભરવાડ, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ધર્મેન્દ્ર વૈષ્ણવને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એ.એસ.ગરચર, એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, મેહુલ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે શાપર ચોકડી સરદાર હાઇટસ પાસેથી મહેશ કાનજી કોલડીયાને ઝડપી લઇ કાલાવડ પોલીસ સ્ટેશને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.