જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પત્નીની હત્યાના કેસમાં અદાલતે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ રૂા.10000 નો દંડ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, આરોપી પ્રફુલલ ભવાનભાઈ ડાભી રહે. જામનગરવાળા મુળ બગસરા હાલ જિલ્લા જેલ જામનગરવાળાના લગ્ન ફરિયાદી રતિલાલ વેલજીભાઇ ધારવીયાની પુત્રી નીતાબેન સાથે થયા હોય. અને ત્યારબાદ લગ્ન સંસાર દરમિયાન આરોપી તથા મરણજનાર નીતાબેન વચ્ચે ઝઘડાઓ થતાં રહેતા હોય. જેથી મરણજનાર નીતાબેન બનાવના 15 દિવસ પહેલાં તેમના પિતાની સાથે રહેવા જતાં રહ્યાં હતાં અને મરણજનાર નીતાબેન થાવરીયા વાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં નોકરી કરતાં હોય. જેથી મરણજનાર નીતાબેન ગત તા.07/06/2021 ના રોજ સવારના ભાગે થાવરીયા સ્કુલે જવા માટે મહાપ્રભુજીની બેઠક પાસે રાહ જોઇ ઉભા હોય અને તે સમયે તેમની સાથે સ્કુલ્માં શિક્ષિકા તરીકે નોકરી કરતા રશ્મીબેન પણ હાજર હોય. ત્યારે આ કામના આરોપી પોતાની ફોરવ્હીલર સેલેરિયો કાર લઇને આવી કારની નીચે ઉતરી મરણજનારનીતાબેન પાસે હાથમાં છરી લઇને આવેલ અને તે છરી વડે નીતાબેનને મારવા જતાં ઈજા પામનાર વચ્ચે પડતા આરોપીએ ઈજા પામનાર રસ્મીબેનને છરી મારી હતી અને ત્યારબાદ ઈજા પામરનારને ધકકો મારી દુર કરી મરણજનાર નીતાબેનને શરીરે છરીના ઘા આરોપીએ માર્યા હતાં. અને તે સમયે બીજી બે શિક્ષિકાઓ પણ આવી ગયા હતાં. અને આરોપીએ તેમની પત્ની નીતાબેનને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બાબતે બોલાચાલ કરી ગુજરનાર નીતાબેનને શરીરના ભાગે છરીઓ મારી ખુન કર્યા અંગે ગુજરનારના પિતા રતિલાલ વેલજીભાઈ ધારવીયાએ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને તપાસ કરનાર અધિકારીએ તપાસ કરી આરોપી સામે ચાર્જશીટ કર્યુ હતું. સદરહુ કેસ જામનગરના પ્રિન્સીપાલ સેશન્સ જજ એસ. કે. બક્ષીની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ દિપક આર. ત્રિવેદીની વિગતવારની દલીલ તથા રજૂ થયેલ દસ્તાવેજી તથા મૌખિક પૂરાવો ધ્યાને લઇ કોર્ટએ આ કામના આરોપીને આઈપીસી કલમ 302 ના કામે આજીવન સખ્ત કેદની સજા તથા રૂા.10000 દંડ અને દંડ ન ભરે તો વધુ 10 દિવસની સખ્ત કેદની સજા તથા આઈપીસી કલમ 324 ના કામે છ માસની સખ્ત સજા તથા રૂા.5000 દંડ અને દંડ ન ભરે તો વધુ પાંચ દિવસની સજા કરતો હુકમ ફરમાવેલ છે.