કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે બુધવારે એક શખ્સ દ્વારા પોતાની પત્નીના અન્ય યુવાન સાથે આડા સંબંધ હોય, તે પ્રકરણમાં મહિલાના પતિએ પ્રેમી એવા શખ્સની હત્યા કરી હતી. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે તાકીદની કાર્યવાહી કરીને આરોપી પતિને ઝડપી લીધો હતો.
કલ્યાણપુર તાલુકા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે રહેતા ચંદ્રસિંહ રતુભા જાડેજા નામના 47 વર્ષના યુવાનના પત્નીને આ જ ગામના 30 વર્ષીય વિરમદેવસિંહ કરણુભા જાડેજા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હોય, જે અંગેની જાણ યુવતીના પતિ ચંદ્રસિંહને થઈ ગઈ હતી. આથી ગત બુધવારે ચંદ્રસિંહે વિરમદેવસિંહ જાડેજાને પોતાની વાડીએ બોલાવીને અહીં બોથડ પદાર્થ ઝીંકીને તેની હત્યા નીપજાવી હતી.
આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્ હેઠળ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીને ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને આ પ્રકરણમાં હત્યા નીપજાવીને નાસી છૂટેલા આરોપી એવા ચંદ્રસિંહ રતુભા જાડેજાની રાવલ વિસ્તારમાંથી અટકાયત કરી લેવામાં આવી હતી.