જામનગર જિલ્લાના ધ્રોલમાં ફરજ બજાવતા જીઈબીના અધિકારી સાથે થયેલ ઓનલાઈન ફ્રોડની ફરિયાદમાં તહોમતદારના જામીન અદાલત દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલમાં રહેતાં અને જીઈબીમાં લાઈન ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નરસંગભાઈ હીરાભાઈ ઝાટીયા એ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.30/12/2021 ના તેમને એક મેસેજ આવ્યો હતો અને મેસેજમાં આપેલ લીંક ખોલતા વોટસએપ ચેટ ખુલ્લી હતી. ત્યારબાદ આરોપી દ્વારા શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટમાં રસ ધરાવતા હોય તો તેમની કંપની ફોરેકસ કરન્સીમાં કામ કરતી હોય ડિમેટ ખોલાવવા અંગે જણાવ્યું હતું. ફરિયાદી એ આરોપીએ મોકલેલ લીંક ઉપર આધાર કાર્ડ-પાન કાર્ડ સહિતની વિગતો આપી હતી અને આરોપીએ આપેલા બેંક એકાઉન્ટમાં રજીસ્ટે્રશન ફી 750 રૂપિયા પણ ભર્યા હતાં અને નરસંગભાઈના એકાઉન્ટમાંથી પ્રથમ વખત રૂા.15,000 નું તથા તેમના પત્ની પૂનમબેનના એકાઉન્ટમાંથી રૂા.10500 નું રોકાણ થયું હતું.
ફરિયાદી એ પોતાના તેમજ પોતાની પત્નીના બેંક એકાઉન્ટમાંથી જીએસએમ ટે્રડરના નામે તેમજ એમ્પ્યાર ટે્રડીંગના નામ તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટમાં રૂા.9,19,125 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતાં. ત્યારબાદ તા.27/1/2022 ના રોજ ફરિયાદીએ પોતાના ટે્રડીંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની કોશિષ કરી હતી પરંતુ પૈસા ઉપડતા ન હોવાથી રોહિતને ફોન કરી આ અંગે અનેક વખત પૂછવા જતાં ગોળગોળ વાતો કરી પૈસા પરત આપ્યા ન હતાં અને અમુક સમય બાદ તેનો ફોન અને વેબસાઈટ પણ બંધ થઈ ગઈ છે.
આ અંગેની ફરિયાદના આધારે જામનગર સાઈબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી મહારાષ્ટ્રના નંદુરબાગ જિલ્લાના નવાપુર શહેરમાંથી મહમદ સઈદ ખાટીક નામના વ્યકિતની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જેમાં કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર કરાયા હતાં. ત્યારબાદ આરોપીએ જામીન ઉપર મુકત થવા અરજી કરતાં પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં અદાલતે રૂા.25000 ના જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે હારુન કે. પલેજા, નુરમામદ પલેજા, સકીલ નોયડા તથા વસીમ કુરેશી રોકાયા હતાં.