ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ગત્ તા. 17 ઓક્ટોબર 2023ના રોજ વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સંજયનગર વિસ્તારમાં રહેતા કિશોર રવજીભાઈ ડાભી નામના એક આસામી પોતાના રહેણાંક મકાનમાં વીજ મીટર ધરાવતા ન હોય અને તેમણે ગેરકાયદેસર રીતે પોતાના મકાનની નજીકની પીજીવીસીએલ કંપનીના હળવા દબાણના પોલ પરથી અનધિકૃત રીતે પોતાનો સર્વિસ વાયર જોડી અને બીજો છેડો પોતાના રહેણાંક મકાનમાં મેઈન સ્વીચ બોર્ડમાં જોડીને ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ રીતે ઘર વપરાશમાં વીજચોરી અંગે તપાસમાં જે-તે સમયે તેમને રૂપિયા 30,630.87ની વીજચોરી થઈ હોવાનું ખુલવા પામ્યું હતું. આ વીજચોરી અંગે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આરોપી વિરુદ્ધ વીજચોરી સંદર્ભેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદને અનુલક્ષીને આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરાયા બાદ ખંભાળિયાની સ્પેશિયલ ઇલેક્ટ્રીક કોર્ટના જજ એસ.વી. વ્યાસ સમક્ષ આ કેસ ચાલી જતા મહત્વના સાક્ષીઓની કરવામાં આવેલી તપાસ તેમજ મદદનીશ જિલ્લા સહકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર અદાલત દ્વારા આરોપી કિશોર રવજીભાઈ ડાભીને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 1,83,785નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ નવ માસની કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.


