જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટએ સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને તકસીરવાન ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી ભોગ બનનારને વળતરે પેટે રૂ ચાર લાખ ચૂકવવા આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદીની 14 વર્ષની સગીર વયની દીકરીને આરોપી રણજિત ગણેશસિંહ રાજપૂતએ તા. 18-07-2021ના સવારના કારખાને ટિફિન લઇને ગયાં હતાં. ત્યારે અઢી માસ પૂર્વે આરોપી ભોગ બનનારના ઘરે આવી ભોગ બનનાર એકલી હોય, આરોપીએ ભોગ બનનારને કહ્યું કે, ‘હું તારી સાથે લગ્ન કરવા માંગું છું. તને પ્રેમ કરૂં છું. આપણે બન્ને અહીંથી ભાગી જવું છે.” જેથી ભોગ બનનારે ના પાડી હતી. તેમ છતાં આરોપીએ કહ્યું હતું કે, ‘તું રવિવારના બપોરે કારખાનામાંથી બહાર નીકળી જજે. હું તારી રાહ જોઇશ.’ રવિવારના ભોગ બનનાર કારખાનાથી બહાર નીકળી ત્યારે આરોપી ઉભો હોય ભોગ બનનારને ભાગી જવાનું કહ્યું હતું. તેથી ભોગ બનનારે કહ્યું હતું કે, ‘મારી ઉંમર નાની છે. અત્યારે લગ્ન નહીં થાય.’ તો આરોપીઓે ભોગ બનનારને ફોસલાવી, ‘તારી ઉંમર થાશે ત્યારે લગ્ન કરવાનું’ કહ્યું હતું અને રિક્ષામાં બેસાડી બસ સ્ટેશન લઇ જઇ ત્યાંથી ભાવનગર આરોપી તેના કાકાના ઘરે લઇ ગયો હતો અને તેના કાકાએ લગ્ન થયા ન હોય, રહેવાની ના પાડતાં રાજસ્થાન લઇ ગયો હતો. ત્યારે આરોપીએ તેનો મોબાઇલ તોડીને ફેંકી દીધો હતો.
ત્યારબાદ આરોપીના દૂરના સગાં લક્ષ્મણસિંહ એકલા બંદિયાબોરવા ગામે રહેતાં હોય, તેના ઘરે લઇ ગયો હતો અને આરોપીએ તેને પ્રેમલગ્ન કર્યા હોવાનું જણાવી ત્યાં રોકાયા હતા અને રાત્રિના આરોપીએ શરીરસંબંધ બાંધવાનું કહેતા ભોગ બનનારે ના પાડવા છતાં તેણીની મરજી વિરૂઘ્ધ શરીરસંબંધ બાંઘ્યો હતો. ત્યાં ભોગ બનનારને બે માસથી વધુ સમય રાખી દુષ્કર્મ આચર્યું હતું. જેથી ફરિયાદીએ આરોપી વિરૂઘ્ધ પંચકોષી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતા સરકાર તરફે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારી વકીલની દલીલો માન્ય રાખી આરોપીને આઇપીસી કલમ 376(ર)(એન)(3) તથા પોક્સો કલમ 4, 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા અને રૂા. 10 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઇપીસી 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 2 હજાર દંડ અને આઇપીસી 366માં પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 5 હજારનો દંડ અને દંડ ન ભરે તો બન્ને વધુ છ માસની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. 4 લાખ ચૂકવવા સ્પેશિયો પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.


