Monday, December 23, 2024
Homeરાજ્યહાલારભાણવડના ડ્રગ્સ પ્રકરણમાં બે વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝડપાયો

ભાણવડના ડ્રગ્સ પ્રકરણમાં બે વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝડપાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે બે વર્ષ પૂર્વે ઝડપાયેલા આશરે સવાસો ગ્રામ જેટલા ડ્રગ્સના કેસમાં નાસતા ફરતા અને કુખ્યાત એજાજ લાકડાવાલા ગેંગના સભ્યને જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મુંબઈ ખાતેથી દબોચી લીધો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડના ત્રણ પાટિયા પાસેથી વર્ષ 2021 માં 124.5 ગ્રામ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો પોલીસને સાંપડ્યો હતો. રૂપિયા 12.45 લાખના આ એમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં મહમદખાલીદ અસગરઅલી ખાન નામના શખ્સની સંડોવણી પણ ખુલવા પામી હતી. જેથી પોલીસે તેને ફરાર ગણી, તપાસ આરંભી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તાજેતરમાં ખંભાળિયા પાસેથી 17.650 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે જામનગરના અને ત્યાર બાદ મુંબઈના એક શખ્સને ઝડપી લીધા બાદ એસ.ઓ.જી. પોલીસ દ્વારા મુંબઈ ખાતે કરવામાં આવી રહેલી કામગીરી અંતર્ગત એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડાંગરને મુંબઈ ખાતેના ખાનગી બાતમીદાર વડે મળેલી માહિતી મુજબ મુંબઈના અલકાપુરી વિસ્તારમાં આવેલા મુસ્કાન બિલ્ડીંગ ખાતેથી બે વર્ષ પૂર્વેના એમ.ડી. ડ્રગ્સ પ્રકરણ આરોપી મહમદખાલીદ અસગરઅલી ખાનને તેના રહેણાંક વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો હતો.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો મહંમદખાલીદ અસગરઅલી મુંબઈમાં પણ અસંખ્ય ગુના આચરવામાં સક્રિય એવી એજાજ લાકડાવાલા ગેંગનો સભ્ય છે. જેથી અસંખ્ય વસૂલી, લૂંટ, અપહરણ, હત્યા, મારી નાખવાના પ્રયાસ તથા હથિયારબંધીના ગુનાઓ આચારવા બદલ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ તેની સામે સુનિયોજિત ગુના અંગેનો એમ.સી.ડી.સી.એ. કાયદો લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મુંબઈમાં પણ તેની સામે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો રાખવા સબબનો ગુનો નોંધાયો છે. ઝડપાયેલા આ શખ્સને ખંભાળિયા લાવી, અને અહીં રિમાન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, કિશોરભાઈ ડાંગર તથા વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular