જામનગર શહેરનાં શંકરટેકરી ઉદ્યોગનગરમાં કારખાનેદારના એકાઉન્ટન્ટએ બંધ થયેલી પેઢીનું બેંક એકાઉન્ટ ખોલી જીએસટીમાં દસ્તાવેજોનો ઉપયોગ કરી ઈનપુટ ટેકસ ક્રેડીટ ખોટી રીતે મેળવી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી બંદર રીંગ રોડ પર રહેતાં વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયા નામના યુવાનની શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલી કૈલાશ મેટલ ખાતે રિધ્ધી સિધ્ધી કાસ્ટીંગ નામના બ્રાસપાર્ટના કારખાનામાં એકાઉન્ટન્ટ તરીકે જવાબદારી કામ કરતાં રાજુ જગેટીયા (મારવાડી) નામના કર્મચારી શખ્સે કારખાનેદારની પેઢી 2020 માં બંધ થઈ ગઈ હોય અને આ પેઢીનું કારખાનેદારની જાણ બહાર આઈસીઆઈસીઆઈ બેંકમાં 020505012113 નંબરનું ખાતુ ખોલાવી અર્થમેટ ફીનાસીંગ ઇન્ડિયા પ્રા.લી. માંથી પર્સનલ લોન મેળવી લીધી હતી અને બંધ પેઢીના જીએસટી નંબર 24ERXPPO484H126 વાળા ખાતામાં ખોટી રીતે જીએસટીમાં વર્ષ 2020 થી વર્ષ 2024 દરમિયાન કારખાનેદારના ધંધાકીય દસ્તાવેજોનો ઉપયોગ કરી ખોટી રીતે ઈન્પુટ ટેકસ ક્રેડીટ મેળવી વિશ્વાસઘાત કર્યો હતો. એકાઉન્ટન્ટ દ્વારા છેતરપિંડી આચર્યાની જાણ થતા કારખાનેદાર વિષ્ણુભાઈએ રાજુભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.