સમાપ્ત થયેલા જુનમાં ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ છેલ્લા અગિયાર મહિનાની નીચી સપાટીએ રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે વિવિધ રાજ્યો દ્વારા હાથ ધરાયેલા નિયમનકારી પગલાંને પરિણામે ઉદ્યોગોએ ઉત્પાદનમાં ઘટાડો કરવા ઉપરાંત કર્મચારીઓની સંખ્યા પર કાપ મૂકવાની ફરજ પડી હોવાનું હાથ ધરાયેલા એક સર્વેમાં જણાવાયું હતું.
નિક્કી મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ જે મેમાં 50.80 હતો તે જુનમાં ઘટીને 48.10 રહ્યો છે. 50થી નીચેના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું સંકોચન કહેવાય છે.કોરોનાને કારણે વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા લોકડાઉન્સ જેવા પગલા બાદ હવે નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના થઈ રહેલા ફેલાવાથી ભારતના નીતિવિષયકોની ચિંતામાં વધારો થયો છે.
ભારતમાં કોરોનાની તિવ્રતામાં વધારાને કારણે ઉત્પાદન ક્ષેત્ર પર અસર પડી હોવાનું આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. સર્વેમાં ઉત્પાદન ક્ષેત્રના જે ત્રણ મુખ્ય સેગમેન્ટને આવરી લેવામાં આવે છે તેમાં કેપિટલ ગુડસ સેગમેન્ટ પર જુનમાં ઘણી જ ગંભીર અસર પડી છે.
જુનમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ છેલ્લા 11 મહિનાની સૌથી નીચી રહી છે. રોજગારમાં કપાત પણ ચાલુ રહી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સોમવારે જાહેર કરેલા વધુ એક આર્થિક પેકેજ પહેલા આ સર્વે હાથ ધરાયો હતો. જેમાં આગામી એક વર્ષ માટેનો ઉદ્યોગોનો આશાવાદ ઘટીને જુલાઈ 2020 બાદની નીચી સપાટીએ રહ્યો છે.
કોરોનાનો અંત કયારે આવશે તેને લઈને કંપનીઓ ચિંતીત છે એમ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. કાચા માલમાં વધારો છતાં ઉત્પાદકોએ કિંમતોમાં ધીમો વધારો કર્યો હતો જેથી માગને આકર્ષી શકાય.
વેપાર-ઉદ્યોગનાં મતે, કોરોનાનો અંત હાલ નજરે ચડતો નથી
દેશમાં ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિ જૂનમાં ખરાબ રહી