હાલમાં ચાલી રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે દ્વારકા ખાતે પધારેલા તમિલ પ્રવાસી ભાઈ-બહેનોએ દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તમિલ ભાઈ-બહેનોનું જય દ્વારકાધીશના નાદ સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવતા તમિલ બાંધવોએ શ્રેષ્ઠ આયોજન બદલ ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો. તામિલનાડુના ભાવાત્મક સાંસ્કૃતિક જોડાણની ખુશી વ્યકત કરતા મહેમાનો એ પ્રતિભાવ વ્યકત કર્યો હતો. જ્યારે તમિલ મહેમાન મહાલક્ષ્મીનું કહેવું છે કે, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાનું સ્વપ્ન પુરુ થયું હતું.
આ ઉપરાંત તામિલ મહેમાનોએ નાગેશ્વરના દર્શનનો પણ લાભ લીધો હતો. દ્વારકાના નાગેશ્વરમાં આનંદોત્સવ ઉજવાયો હતો. દ્વારકાવાસીઓ અને તમિલનાડુના મહેમાનોએ ગીત સંગીત રાસ સાથે દર્શન ઉત્સવ ઉજવ્યો હતો. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત તા.17 થી 26 એપ્રિલ દરમિયાન પથ્રિકા મેદાન સોમનાથ ખાતે ગુજરાત અને તમિલનાડુના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ પ્રસંગે મહેમાનોને આવકારવા પ્રવાસન વિભાગ નિગમના એચ.એમ. જાડેજા, કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની ટફીમના પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, દ્વારકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પદાધિકારીઓ ઓખા બંદરના પ્રમુખ મોહનભાઈ બારાઇ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.