જામજોધપુર તાલુકાના ગોપ ગામથી તરસાઈ ઢોલ વગાડવા જતા જોડિયા ભાઈઓની બાઈકને ઉપલેટા તાલુકાના ગણોદ અને વાડાસડા ગામ વચ્ચે પાછળથી આવતી કારે ઠોકરે ચડાવતા ગમખ્વાર અકસ્માતમાં જોડિયા ભાઈઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. તેમજ અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગોપ ગામમાં રહેતાં મહેશ ચૌહાણ (ઉ.વ.25) અને મનોજ ચૌહાણ (ઉ.વ.25) નામના જોડિયા ભાઈઓ અને નગીન ધાકેચા નામના ત્રણ યુવાનો બુધવારે રાત્રિના સમયે તેમની બાઈક પર તરસાઈ ગામે ઢોલ વગાડવા જતા હતાં તે દરમિયાન ઉપલેટાના ગણોદ અને વાડાસડા ગામ વચ્ચેથી પસાર થતા હતાં ત્યારે પાછળથી પૂરઝડપે આવતી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા બાઇક ફંગોળાઇ ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર મહેશ ચૌહાણ અને મનોજ ચૌહાણ નામના જોડિયા ભાઈઓને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે નગીન નામના યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તને સારવાર માટે ઉપલેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તથા બન્ને જોડિયા ભાઈઓના મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી.
અકસ્માતમાં જામજોધપુર પંથકના જોડીયા ભાઇઓના મોત નિપજતા ગોપ ગામમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી તેમજ ઘટનાની જાણ થતા જ્ઞાતિના આગેવાનો સ્થળ પર અને હોસ્પિટલે દોડી ગયા હતાં. વધુમાં મળતી વિગત મુજબ, મૃતક ભાઈઓ અપરિણીત હતાં.
ઉપલેટા નજીક અકસ્માતમાં ગોપ ગામના જોડિયા ભાઈઓના મોતથી અરેરાટી
તરસાઈ ગામે ઢોલ વગાડવા જતા સમયે બાઈકને અકસ્માત : ગામમાં શોકનું મોજું ફરી વળ્યું : અન્ય યુવાન ગંભીર ઘવાયો