જામનગર તાલુકાના સચાણા ગામના પાટીયાથી જાંબુડા બાલાચડી રોડ તરફ જતી કારને સામેથી પૂરપાટ આવી રહેલા ટ્રેલર વાહને ઠોકર મારી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય યુવકને ગંભીર ઈજા પહોંચવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવ બાદ ચાલક ટ્રેલર મુકી નાશી ગયો હતો.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે મહાલક્ષ્મી બંગલો કીચન હોટલ પાછળ રહેતાં સુભાષભાઈ કાળાભાઈ લીંબડ નામના મજૂરી કામ કરતા યુવાનનો ભાણેજ વિશાલ દિપકભાઈ સરવૈયા (ઉ.વ.35), પુત્ર સાહીલ સુભાષભાઈ લીંબડ (ઉવ.18) તથા ભાણેજ રોહિત ડાયાભાઈ વાઝા (ઉ.વ.19) અને ભત્રીજો રાહુલ નિતીનભાઈ લીંબડ (ઉ.વ.22) નામના ચાર યુવાનો ગઈકાલે સાંજના 4 વાગ્યાના અરસામાં તેની જીજે-10-બીઆર-3201 નંબરની કારમાં આવતા હતાં તે દરમિયાન સચાણા ગામના પાટીયાથી જાંબુડા બાલાચડી તરફના રોડ પર પહોંચ્યા ત્યારે સામેથી પૂરપાટ બેફીકરાઈથી આવી રહેલા જીજે-12-ડીવી-3071 નંબરના ટ્રેલરચાલકે કારને હડફેટે લઈ ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો.
રોડ પર અકસ્માતની ઘટનામાં વિશાલ દિપક સરવૈયા, સાહીલ સુભાષ લીંબડ, રોહિત ડાયા વાઝા નામના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે રાહુલ નીતિનભાઈ લીંબડને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી ત્રણ યુવાનોનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતક સાહીલ લીંબડના પિતા સુભાષભાઈ લીંબડના નિવેદનના આધારે ટે્રલરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.