ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2021-22 માટેનું એકેડમિક કેલેન્ડર જાહેર કરી દેવામા આવ્યુ છે.જે મુજબ 14મી માર્ચથી ધો.10-12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થશે અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ 11 એપ્રિલથી શરૃ થશે.આ વર્ષે ધો.10-12ના અને ધો.9-11ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્રમમાં કોઈ ઘટાડો નહી કરવામા આવે અને સ્કૂલોએ પુરો 100 ટકા અભ્યાસક્રમ ભણાવવાનો રહેશે તેમજ પુરા અભ્યાસ ક્રમ પ્રમાણે જ પરીક્ષાઓ લેવાશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામા આવી છે અને પરીક્ષાઓને લઈને સ્કૂલો માટે તમામ ડીઈઓને પરિપત્ર કરીને જરૂરી સૂચનાઓ આપવામા આવી છે.જે મુજબ તમામ પરીક્ષાઓ ઓફલાઈન જ લેવામા આવશે અને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધો.9થી12ના અભ્યાસક્રમમાં કોઈ પણ ઘટાડો કરવામા નહી આવે. ધો.9થી12ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.10-12ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધો.9 અને 11ની દ્વિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે.જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 30 ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી 70 ટકા અભ્યાસક્રમ રહેશે. ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધો.9થી12ની તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ 2019-20થી અમલમા આવેલ પરીક્ષા પદ્ધતિ યથાવત રહેશે. પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. ધો.9થી12ની પ્રથમ અને પ્રિલીમ-દ્રિતિય પરીક્ષાઓ તેમજ ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના મુખ્ય વિષયોના પ્રશ્ર્નપત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ડીઈઓ મારફતે તમામ સ્કૂલોને મોકલવામા આવશે. જ્યારે ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાઓની અને વાર્ષિક પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે.જે મુજબ ધો.10-12ની બોર્ડ પરીક્ષા 14 માર્ચ 2022થી શરૂ થશે અને ધો.9 અને 11ની વાર્ષીક પરીક્ષા 11 એપ્રિલ 2022થી શરૂ થશે.