આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા 540 જેટલી સીટોની માન્યતા રદ્ કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-જામનગર દ્વારા આયુ. યુનિ.ના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી હિતમાં બાકી રહેતી સીટોની સરભર કરવા માગણી કરવામાં આવી હતી. જો આ અંગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલ નિટ ક્વોલિફાઇડ કરેલા વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ ચાલુ છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આયુર્વેદમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે આતુર છે. ત્યારે 9 જેટલી આર્યુવેદ કોલેજોની માન્યતા રદ્ થઇ છે. જેના કારણે રાજ્યની 540 આયુ. સીટોનો ઘટાડો થયો છે. જેથી વિદ્યાર્થીઓ અસંમજની સ્થિતિમાં મુકાયા છે. આથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ બાકી રહેતી સીટો સરભર કરવા આવેદનપત્ર દ્વારા માગણી કરવામાં આવી છે. જો આ અંગે તાત્કાલિક ધોરણે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે. ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીના એબીવીપી અધ્યક્ષ ઉદય નિમાવત સહિતના હોદ્ેદારો તથા કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્યું હતુ.