જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણ્યના કેમ્પસમાં આવીને એક શખ્સે ફરજ પરના મહિલા કર્મચારી સાથે ગાળાગાળી કરી, “રાત્રિના અમારા માલઢોર પકડીને તમારા કેમ્પસના ડબ્બામાં કેમ પૂરી દો છો?” તેમ કહી પ્રતિબંધિત વિસ્તારમાં જવા માટે કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગેની વિગત મુજબ જામનગર આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણ્ય મરીન નેશનલ પાર્ક કવાર્ટરમાં રહેતા જીજ્ઞાબેન પરબતભાઇ હરણ (ઉ.વ.31) નામના મહિલા કર્મચારી સોમવારે સવારના સમયે પક્ષી અભ્યારણ્યમાં પોતાની ફરજ ઉપર હતા ત્યારે પેથરાજ કાના સોરિયા નામના શખ્સએ કેમ્પસમાં આવીને મહિલા કર્મચારીને કહ્યું કે, “તમે રાત્રિના અમારા માલઢોર પકડી તમારા કેમ્પસના ડબ્બામાં કેમ પૂરેલ છે? તે જોવા માટે અંદર જવા દો.” ત્યારે ફરજ પરના મહિલા કર્મચારીએ, ‘અમારા કેમ્પસમાં બહારના વ્યક્તિઓને અંદર જવાની મનાઇ હોય છે.’ તેમ જણાવતા ઉશ્કેરાયેલા પેથરાજ કાના સોરિયા નામના શખ્સે કેમ્પસની અંદર જઇને મહિલા કર્મચારી તથા સ્ટાફને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને ટાંટિયા ભાંગી નાખવાની તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ આ બનાવ અંગે મહિલા કર્મચારીએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેથરાજ વિરૂઘ્ધ ફરજમાં રૂકાવટ તથા મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. એચ. જી. જાડેજા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


