ખંભાળિયા પંથકમાં ચોમાસાના પ્રારંભમાં જ મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા દિવસોમાં મુશળધાર વરસાદના કારણે આ વિસ્તારના અનેક નાના જળ સ્ત્રોતો હાલ છલકાઈ ગયા છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે ભાણવડ પટ્ટીના ગામોમાં પાંચથી છ ઇંચ સુધી વરસાદ વરસી જતા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમના ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદના કારણે ઘોડાપૂર ઉમટ્યા હતા. આ વિસ્તારના અનેક નાના ચેક ડેમો વિગેરે છલકાઈ જતા આ નીરની સીધી આવક ઘી ડેમમાં થવા પામી છે. જેના કારણે આ વરસાદથી ડેમમાં આશરે ચાર ફૂટ જેટલું નવું પાણી ઘી ડેમમાં આવ્યું છે. આ નવા પાણીની આવક થતા ડેમની સપાટી 10 ફૂટે પહોંચી છે. આમ, 20 ફૂટની ઊંડાઈ ધરાવતો ડેમ 10 ફૂટે અડધા જેટલો ભરાઈ ગયો છે.
ખંભાળિયા શહેરને પીવા માટે દર મહિને આશરે એક ફૂટ જેટલા પાણીની જરૂરિયાત રહે છે. આ વરસાદ બાદ ખંભાળિયા શહેરનો આગામી વર્ષનો પીવાનો પાણીનો પ્રશ્ન મહદ અંશે હલ થઈ ચૂક્યો છે.