દેશભરમાં કોવીડ-19ના કેસો સતત વધી રહ્યા છે તેવામાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ગામડાઓમાં નવી બીમારીએ દસ્તક દીધી છે. આ બંને રાજ્યની બોર્ડર પર આવેલા દસ થી બાર ગામડાઓમાં ટાઈફોઈડે ઉથલો માર્યો છે. અને અનેક લોકો તેની ચપેટમાં આવ્યા છે. તંબુ નીચે પથારી કરીને લોકો સારવાર લેવા માટે મજબુર થયા છે. ટાઈફોઈડના કહેરના પરિણામે સ્થાનિકોની ચિંતા વધી છે.
ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 ગામમાં ટાઈફોઈડે દસ્તક દીધી છે. જેના કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં લગભગ 900 લોકો ટાઈફોઈડના શિકાર બની ચૂક્યા છે. લોકો જ્યાં તંબુ બાંધીને કોરોનાની સારવાર લઇ રહ્યા છે ત્યાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરના ગામડાઓના લોકો સારવાર લેવા માટે મજબુર થયા છે. ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી, ભીલભવાલી, નાસેરપુર અને મહારાષ્ટ્રના પીપલોદ, ભવાલી, વિરપુર, લોય સહિતના ગામમાં ટાઈફોઈડના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે.
શહેરના તબીબોએ પોતાના દરવાજા આ દર્દીઓ માટે બંધ કરી દીધા છે. ત્યારે એક ડોક્ટર અને સામાજિક કાર્યકર દ્રારા તંબુમાં હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. અને ટાઈફોઈડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ મહામારીમાં ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ગામોની સ્થિતિ દયનીય બની છે. અહીંયા કોરોના પોઝિટિવ આવી રહ્યા છે પણ અહીંયા કોઈ હોસ્પિટલ નથી અને નજીકમાં આવેલ કોરોના કેર સેન્ટર હાઉસફુલ છે. જેથી અહીંના દર્દીઓને વૃક્ષ નીચે કે પછી તંબુમાં આરોગ્ય લક્ષી સારવાર અપાઈ રહી છે. આ બધા વચ્ચે એક તબીબ આ તમામ લોકોને સારવાર આપી રહ્યા છે.