- Advertisement -
ખંભાળિયા નજીક આવેલા ધર્મસ્થળ શ્રી કામઈ ધામ ખાતે આજરોજ શનિવારે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સવારે મૂર્તિ સ્થાપન તથા બપોરે છડી યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાયા હતા.
આ સાથે આજરોજ શનિવારે સાંજે છ વાગ્યાથી માતાજીની મહાઆરતીનું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 11 હજાર દીવડાઓ સાથેની દીપમાળામાં મોટી સંખ્યામાં બહેનો તેમજ બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે. આ વિશિષ્ટ આરતી સમગ્ર વિશ્વમાં રેકોર્ડ સર્જી, દૈદીપ્યમાન બની રહેશે.
આ ઉપરાંત આજે રાત્રે નવ વાગ્યાથી કામઈ ધામ ખાતે વિશ્વ વિખ્યાત કલાકાર કિર્તીદાનભાઈ ગઢવી, ભીખુદાન ગઢવી, બિહારી હેમુ ગઢવી, ધીરુભાઈ સરવૈયા, જીગ્નેશભાઈ બારોટ, સહિતના કલાકારો તથા સાજીંદાઓ દ્વારા લોકડાયરામાં ભજન, ધૂન તથા કલાની રમઝટ બોલાવવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા તથા રાજ્યભરના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તથા ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાશે. આ સુંદર આયોજન માટે અહીંના આગેવાન મયુરભાઈ રામભાઈ ગઢવીના વડપણ હેઠળ કામઈ ધામ સેવા સંસ્થા તેમજ સમસ્ત ચારણ/ગઢવી સમાજના આગેવાનો- કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
- Advertisement -