જામનગર શહેર નજીક લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફના માર્ગ પરથી પસાર થતા એકટીવા ચાલકને પુરઝડપે બેફીકારઇથી આવી રહેલા ટ્રક ટ્રેઈલરે ઠોકર મારી હડફેટે લઈ ચગદી નાખતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેપુર શેખાવટી તાલુકાના હિરાણા ગામનો વતની અને હાલ જામનગરના ઢીચડા રોડ પર રવિ પાર્ક સોસાયટીમાં રહેતાં અજીતસિંગ મોતીસિંગ શેખાવત (ઉ.વ.25) નામનો યુવાન મંગળવારે રાત્રિના સમયે તેના એકટીવા બાઇક પર લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફના માર્ગ પરથી જતો હતો તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા જીજે-10-ટીએકસ-7519 નંબરના ટ્રક ટે્રઇલરે એકટીવાને ઠોકર મારી હડફેટે લેતા ચાલક યુવાન ટે્રઇલરના તોતિંગ ટાયર હેઠળ આવી ચગદાઈ જતાં ઘટનાસ્થળે જ પ્રાણ-પંખેરું ઉડી ગયું હતું. અકસ્માતના બનાવની મૃતકના ભાઈ ઉપેન્દ્રસિંગ શેખાવત દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રક ટે્રઇલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.