જામનગર તાલુકાના ફલ્લા-રામપર પાટીયા વચ્ચે પસાર થતા બાઈકસવારે કાબુ ગુમાવી દેતા ડીવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા અને રામપર ગામના પાટીયા વચ્ચેના ધોરીમાર્ગ પરથી પસાર થતા બાઈકસવાર યુવાને બાઈક પરનો કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતમાં યુવાનનું બાઈક ડીવાઈડર સાથે અથડાતા ફંગોળાઈ ગયું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતાં મૃતકની ઉંમર આશરે 32 વર્ષની હોવાની અને મૃતક ધ્રોલ ગામનો હોવાની પ્રાથમિક ઓળખ થતા પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ આરંભી હતી.