કાલાવડ તાલુકાના ભગત ખિજડીયા ગામની સીમમાં રહેતી આદિવાસી યુવતીએ તેણીના ઘરે કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતાં પ્રૌઢને બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની બિમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના ભગત ખિજડીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતી સંગીતાબેન સીતારામ સોલંકી(ઉ.વ.18) નામની આદિવાસી યુવતીએ ગત તા.12ના રોજ અકળ કારણોસર તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સોમવારે સાંજે સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મુળુભાઇ દ્વારા જાણ કરાતા હેકો. એચ.કે.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતાં ગોપુભા દાદભા જાડેજા(ઉ.વ.57) નામના પ્રૌઢને છેલ્લાં ઘણાં સમયથી બ્લડપ્રેશર અને ડાયાબીટીસની બીમારી હતી. જેના કારણે છેલ્લાં થોડા સમયથી ગુમસુમ રહેતાં પ્રૌઢે સોમવારે રાત્રીના સમયે તેના ઘરે બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની યશપાલસિંહ દ્વારા જાણ કરાતા હેકો.ટી.બી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.