જામનગર શહેરના પુનિતનગર વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્ર સાથે ઘરની બહાર બેઠો હતો તે દરમિયાન આવેલા શખસે તે મારા પર ફરિયાદ કેમ કરી હતી ? તેમ કહી ચાર પાંચ ઝાપટો મારી છરીનો ઘા ઝીંકી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મચ્છરનગર પાછળ આવેલા પુનિતનગર શેરી નં. 2 માં રહેતાં અભ્યાસ કરતા હરવિજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામનો વિદ્યાર્થી તેના ઘરની બહાર બેઠો હતો તે દરમિયાન મોમાઈનગરમાં રહેતો હરપાલસિંહ ઉર્ફે હીરેન ઝાલા નામના શખ્સે તા.31 ડિસેમ્બરની રાત્રિના સમયે આવીને ‘તે બે મહિના પહેલાં તારા મિત્ર રાજવીરસિંહને છરી મારી તે વખતે તું હોસ્પિટલ કેમ લઇ ગયો હતો ? અને તે મારા ઉપર ફરિયાદ કેમ કરી હતી?’ તેમ કહી બોલાચાલી કરી ચાર-પાંચ ફડાકા ઝીંકી લીધી હતાં. અને ગાળો કાઢીને છરીનો એક ઘા ઝીંકયો હતો તેમજ મારમારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા તરૂણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતા હેકો એસ.વી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઈજાગ્રસ્ત હરવિજયસિંહના નિવેદનના આધારે હરપાલસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.