જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામની ગોલાઈ નજીકથી પસાર થતી રીક્ષાને પૂરપાટ આવી રહેલી તૂફાન જીપના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માતમાં રીક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતો હુશેનભાઈ ખમીશાભાઈ ડગારા નામનો યુવાન શનિવારે સાંજના સમયે તેની જીજે-10-ટીડબલ્યુ-6203 નંબરની રીક્ષા લઇને જામનગરથી સીક્કા તરફ જતો હતો તે દરમિયાન વસઈ ગામની ગોલાઈ નજીક પહોંચ્યો ત્યારે પૂરપાટ આવી રહેલી જીજે-08-વાય-8151 નંબરની તુફાન જીપના ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષાચાલક ઉપર તૂફાન જીપનું ટાયર ફરી વળતા ચગદાઈ જવાથી હુશેનભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતા પીઆઈ વી.બી. ચૌધરી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી યાસીનભાઈ ચાકીના નિવેદનના આધારે તુફાન જીપચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.