જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવાને માતા અને પરિવારજનોને છોડીને પ્રેમલગ્ન કર્યાં હતા. પરંતુ આ પ્રેમલગ્ન બાદ યુવાને તેની સાસુના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં પોલીસે સ્યુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઇ જેઠવાણી નામના યુવાને થોડાં સમય પહેલાં નમ્રતાબેન મંડલી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને આ પ્રેમલગ્ન પહેલાં માતા અને પરિવારને છોડીને પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ પ્રેમલગ્ન બાદ દંપતિની સાથે યુવાનની સાસુ અવારનવાર દીકરીના ઘરે આવતી હતી અને ત્યારબાદ ઘરમાં કંકાસ અને માથાકૂટ થતી રહેતી હતી. થોડાં દિવસ અગાઉ યુવાનની સાસુ દ્વારા યુવતીના પહેલાં પતિને દિલીપભાઇના ઘરે બોલાવ્યો હતો અને દિલીપભાઇને ઘરની બહાર કાઢી નમ્રતા સાથે વાતચીત કરાવી હતી. જે બાબતનું દિલીપભાઇને મનમાં લાગી આવતા ગત્ શનિવારના રોજ રણજિતસાગર રોડ પર દિલીપભાઇએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બનાવની જાણના આધારે પોલીસે દિલીપભાઇએ લખેલી સ્યુસાઇડ નોટ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
તપાસમાં દિલીપભાઇએ લખેલી ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવાન અને તેની માતા અને બહેનની માફી માંગે છે તેમજ તેના આ પગલાં માટે તેની સાસુ જ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે અને સાસુ દ્વારા દિલીપભાઇ અને તેની પત્ની નમ્રતાબેનના લગ્નજીવનમાં ભંગાણ પાડી દંપતિને દૂર કરવાનો પ્રયાસ કરતી હતી. ઉપરાંત દિલીપભાઇને તેની પત્નીનું મોઢું પણ જોવા દેતી ન હતી. આ બનાવમાં યુવાન સારવાર હેઠળ છે. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી.


