જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આજે સવારના સમયે સ્કૂટર પર સગર્ભા પત્ની સાથે જતાં યુવકને બે શખ્સોએ આંતરીને આડેધડ એક પછી એક છરીના ઘા ઝિંકયા હતા. જીવલેણ હુમલો થતાં યુવાન લોહીથી લથબથ હાલતમાં ઢળી પડયો હતો. સાથે રહેલી સગર્ભા પત્ની પતિની હાલત જોઇ બેશુદ્ધ થઇ ગઇ હતી. સરાજાહેર હત્યાના બનાવથી વિસ્તારમાં ટોળું એકઠું થઇ ગયું હતું. પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. હાલમાં જ જામજોધપુરમાં ત્રણ દિવસમાં બે હત્યાની ઘટનાથી ફફડાટ ફેલાઇ ગયો છે. ત્યારે આજે સવારે જામનગર શહેરના 49-દિગ્વિજય પ્લોટના મુખ્ય માર્ગ પર ઇદ મસ્જિદ પાસેથી જયેશ ચાવડા તેની સગર્ભા પત્ની સોનલ સાથે એક્સેસ સ્કૂટર પર જતાં હતા. તે દરમ્યાન બે શખ્સોએ આવીને જયેશને આંતરી લીધો હતો. જયેશને આંતરી લીધા બાદ શખ્સે એક પછી એક છરીના ઘા આડેધડ ઝિંકયા હતા. ઉપરાઉપરી છરીના ઘા ઝિંકાતા જયેશ ચાવડા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. પતિ ઉપર જીવલેણ હુમલો થતાં લોહીથી લથબથ હાલતમાં ઢળી પડતાં સગર્ભા પત્ની બેશુદ્ધ થઇ ગઇ હતી. સરાજાહેર થયેલા જીવલેણ હુમલાના કારણે લોકો એકઠાં થઇ ગયા હતા. તે પહેલાં જ હુમલો કરનાર નાશી ગયા હતા.
View this post on Instagram
ત્યારબાદ બનાવ અંગેની જાણના આધારે પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઇ હતી. પરંતુ સારવાર મળે તે પહેલાં જ જયેશ ચાવડાનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાના બનાવ અંગે મૃતકની પત્ની સોનલબેનએ આપેલી વિગતોમાં તેના પતિ જયેશની હત્યા તેણીના જ પૂર્વ પતિ અને એક અજાણ્યા શખ્સે કરી હોવાનું ખબર ગુજરાતને જણાવ્યું હતું. હત્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.


