જામનગર શહેરના લાખોટા તળાવમાં મીગ કોલોની પાસે મંગળવારે યુવાને આપઘાતનો પ્રયાસ કર્યાની જાણ થતા જામનગર ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તળાવમાંથી યુવાનને આબાદ બચાવી લેવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં શંકર ટેકરી નજીક હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો અજય જગદીશભાઈ ચાંદ્રા નામનો યુવાને મંગળવારે સાંજના સમયે લાખોટા મિગ કોલોની પાસેના તળાવમાં પડતુ મુકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર શાખાના ઉમેદ ગામેતી સહિતની ટુકડી તાત્કાલિક અસરથી સમય બગાડયા વિના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પાણીમાં ઝંપલાવી દઇ યુવાનને તુરત જ બહાર કાઢી લીધો હતો. અને ફાયર ટુકડીની સમય સૂચકતાથી એક માનવ જિંદગી બચી ગઇ હતી. જો એકાદ મિનિટ પણ મોડું થયું હોત તો યુવાનને જીવતો કાઢવો ભારે મુશ્કેલ બન્યું હોત. જેને તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડના વાહનમાં જ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં પહોંચાડી દીધો હતો.