જામનગર તાલુકાના પસાયા ગામના પાટીયા પાસે રહેતો યુવાન ફ્રુટના થડા પાસેથી ફાર્મમાં આવવા માટે રોડ ક્રોસ કરતો હતો ત્યારે પૂરપાટ આવી રહેલી સફેદ કારના ચાલકે યુવાનને ઠોકરે ચડાવતા પછાડી દઇ ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરમાં ધુંવાવ નાકા પાસેના વતની અને હાલ પસાયા ગામના પાટીયા પાસે રહેતો રાયદેભાઈ ઉર્ફે અજય ભીખાભાઈ મકવાણા (ઉ.વ.33) નામનો યુવાન ગત શનિવારે સવારના 11 વાગ્યાના અરસામાં પસાયા ગામના પાટીયા પસો આવેલા ભીવંડી ફાર્મની બાજુમાં તેના પિતાના ફ્રુટના થડા પાસેથી ફાર્મમાં જવા માટે રસ્તો ક્રોસ કરતો હતો તે દરમિયાન જામનગર તરફથી પૂરપાટ આવી રહેલી સફેદ કલરની અજાણ્યા કારના ચાલકે રાયદેને હડફેટે લઇ ઠોકરે ચડાવી પછાડી દીધો હતો. અકસ્માતમાં યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ભીખાભાઈના નિવેદનના આધારે નાશી ગયેલા અજાણી કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.