જામજોધપુરમાં રહેતો યુવાન તેની બાઇક પર ખારીવાવ નેસ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન કૂતરુ આડુ ઉતરતા બ્રેક મારવાથી કાબુ ગુમાવી નીચે પટકાતા મોત નિપજ્યું હતું. જામનગરની ગુરૂગોવિંદ સિંધ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું.
મળતી વિગત અનુસાર, જામજોધપુરમાં આંબલીફળી વિસ્તારમાં રહેતો અને મુળ મહીકી ગામનો વતની હરેશ રાયાભાઇ કુડેચા (ઉ.વ.35) નામનો ખેતી કરતો યુવાન શનિવારે સાંજના સમયે તેના જીજે.03.બીએફ.1104 નંબરના સીટી 100 બાઇક પર ખારીવાવ નેસથી જામજોધપુર તરફ જતાં માર્ગ પરથી પસાર થતો હતો. તે દરમિયાન બાઇક આડે કૂતરુ ઉતરતા એકાએક બ્રેક મારતા યુવાને બાઇક પરનો કાબુ ગુમાવી દેતાં બાઇક પરથી પડી જતાં શરીરે અને માથામાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત હરેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નિપજ્યાંનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ બટુક દ્વારા જાણ કરાતા હેકો.જી.આઇ.જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંધ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું. બિમારી સબબ મોત નિપજ્યાની વિક્રમસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા એએસઆઇ કે.કે.નારિયા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.