જામનગર તાલુકાના નાધુના ગામમાં રહેતો યુવાન તેના બાઈક પર જામનગરથી નાધુના તરફ જતો હતો તે દરમિયાન સવારના સમયે નારણપર ગામ નજીક પહોંચ્યો ત્યારે રોંગસાઈડમાં પૂરઝડપે બેફિકરાઇથી આવતી અર્ટિકા કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાધુના ગામમાં રહેતો અને ખેતી કરતા ડ્રાઈવિંગ કરતો અશોકસિંહ બચુભા કેશુર (ઉ.વ.39) નામનો યુવાન રવિવારે સવારના સમયે જામનગરથી નાધુના તરફ તેના જીજે-10-સીએલ-5790 નંબરના બાઈક પર જતો હતો ત્યારે નારણપર ગામ નજીક કનકેશ્ર્વરી સ્કૂલ પાસે પહોંચ્યો ત્યારે સામેથી રોંગસાઈડમાં પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-10-ડીજે-0071 નંબરની અર્ટિકા કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ભરતસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.