જામનગર તાલુકાના રામપર ગામના પાટીયા પાસેથી પસાર થતા પગપાળા જતા યુવાનને પાછળથી પૂરઝડપે આવતી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લઇ પછાડી દેતા માથામાં અને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે કાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા ભુરાભાઈ કમાભાઈ ગમારા નામના યુવાન ગત શનિવારે વહેલીસવારના પાંચ વાગ્યાના અરસામાં રામપર ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને જતાં હતાં તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી જીજે-10-એપી-0874 નંબરની કારના ચાલકે યુવાનને ઠોકરે ચડાવી હડફેટે લેતા માથામાં અને પગમાં ગંભીર ઇજા પહોંચતા યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ નારણભાઈના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.