જામનગર-ખંભાળિયા માર્ગ પર તુલસી પાર્ટી પ્લોટ નજીકથી ગત રાત્રિના સમયે બાઈક પર પસાર થતા યુવાનને પુરઝડપે આવતા અજાણ્યા વાહને હડફેટે લઈ ચગદી નાખતા માથામાં અને મોઢામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા માર્ગ પર તુલસી પાર્ટી પ્લોટ નજીકથી ગુરૂવારે રાત્રિના સમયે કલ્યાણભાઈ ઉર્ફે કલાણ રાણાભાઈ વાલાણી (ઉ.વ.32) નામનો યુવાન તેના જીજે-10-બીપી-9233 નંબરના બાઈક પર પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા વાહનને બાઈકને હડફેટે લઇ યુવાનને ચગદી નાખતા માથામાં અને મોઢામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
બનાવ બનતા લોકો એકઠાં થઈ ગયા હતાં અને બનાવની જાણ કરતા પીએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા મૃતક પાસેથી મળી આવેલા આધારકાર્ડના આધારે ઓળખ મેળવી તેના પરિવારજનોને જાણ કરી મૃતદેહનો પીએમ માટે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ હાથિયાભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.