જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા પાસેથી પસાર થતા બાઈકસવાર યુવાનને પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટ્રકે ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વાવફળીયુ તાલુકાના રીંગોલી ગામના કલ્પેશ માવી નામનો યુવાન તેના માતા-પિતા સહિતના પરિવાર સાથે લાલપુર તાલુકાના ઈશ્ર્વરીયા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામે આવ્યાં હતાં. દરમિયાન ગુરૂવારે રાત્રિના સમયે કલ્પેશ પાગલાભાઈ માવી નામનો શ્રમિક યુવાન તેના બાઈક પર તેના ફઈના દિકરાને લેવા માટે જતો હતો ત્યારે ચંગા ગામના પાટીયા નજીક પહોંચ્યો ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-17-ટી-3717 નંબરના ટ્રકના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં કલ્પેશને શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે મૃતકના પિતા પાગલાભાઈ નવલાભાઈ માવીના નિવેદનના આધારે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.