જામજોધપુર ગામમાં બાલવા તરફ જતા માર્ગ પર હોટલની સામે સોમવારે સાંજના સમયે પૂરઝડપે બેફીકરાઇથી આવતા મીની ટ્રેકટરે એકટીવાને ઠોકર મારી હડફેટે લેતા એકટીવા સવાર યુવકનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં રહેતા પ્રિન્સ અરજણભાઈ બારિયા (ઉ.વ.20) નામનો યુવક સોમવારે સાંજના સમયે તેના જીજે-10-સીએફ-4930 નંબરના એકટીવા પર બાલવા ગામ તરફ જવાના માર્ગ પર રાધે હોટેલ સામેથી પસાર થતો હતો ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી રોંગસાઈડમાં આવતા બ્લુ કલરના મીની ટ્રેકટરે જીજે-37-જે-1206 નંબરના ચાલકે એકટીવા સવારને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પ્રિન્સને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા હેકો એ.બી. જાડેજા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને પોલીસે જિતેન્દ્રભાઈ બારિયા નામના યુવકના નિવેદનના આધારે ટે્રકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી નાશી ગયેલા ચાલકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.