દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વાનાવડ ગામમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થવાથી રિસામણે જતી રહી હતી અને ભરણપોષણનો ખર્ચ લેવાનું કહેતાં આ બાબતનું મનમાં લાગી આવતા યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ ભાણવડ તાલુકાના વાનાવડ ગામના મૂળ રહીશ કેશવભાઈ રાજાભાઈ વાઘેલા (ઉ.વ.40) નામના યુવાનને તેમના લગ્નજીવન દરમિયાન તેમના પત્ની સાથે વારંવાર ઝઘડો થતો હોય, જેથી તેણી અવારનવાર રિસામણે પોતાના માવતરે જતી રહેતી હતી. આથી તેણીના પિતા તથા બહેને તેણીને છૂટાછેડા લઈ અને પતિ પાસે ભરણપોષણનો ખર્ચ લેવાનું કહેતા આ તમામ બાબતે કેશુભાઈને મનમાં લાગી આવતા ચિંતાગ્રસ્ત હાલતમાં તેમણે પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી.
આથી તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઇ ભલાભાઇએ પોલીસને જાણ કરતાં ભાણવડ પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


