જામનગર તાલુકાના વીજરખી ગામમાં યુવાને કોઇ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના મુળિલા ગામની સીમમાં યુવાને તેના ખેતરે કોઇકારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ઠેબા ચોકડી નજીક રહેતાં દિનેશભાઈ મંગાભાઈ રોશિયા (ઉ.વ.45) નામના યુવાને મંગળવારે સવારના સમયે ભરડિયા નજીક અગમ્યકારોણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું બુધવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રામજી દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના મુળિલા ગામની વાડી વિસ્તારમાં રહેતા નરેશ તેજાભાઈ ચાવડા (ઉ.વ.39) નામના યુવાને ગત શનિવારે તા.19 ના રોજ સાંજના સમયે અકળકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નરેશનું બુધવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કાંતિભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચીને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અને આપઘાતનું કારણ શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.