કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતો અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા પટેલ યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી મુંબઇમાં રહેતાં બે શખ્સો પાસેથી ટેલિફોનિક વાતચીત દરમિયાન 10 લાખમાં જીપ કમ્પાસ કારની ખરીદી કરી હતી પરંતુ જીપમાં ખામી હોવાનું કહી બંને શખ્સોએ જીપ પરત મંગાવી રૂા.5,40,000 ની છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
છેતરપિંડીના બનાવની વિતગ મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતો અને નોકરી કરતાં ભાવેશ ગોવિંદભાઈ વિરડીયા નામના યુવાને ઓગસ્ટ 2022 માં સોશિયલ મીડિયાના માધ્યમથી જીજે-27-સીએફ-3003 નંબરની જીપ કમ્પાસ ખરીદવા માટે મુંબઇના કાંદિવલીમાં રહેતાં શૈલેષ જૈન અને દાનિશ અખતર અંસારી સાથે ટેલિફોનિક વાતચીત કરી ભાવેશે રૂા.10 લાખમાં જીપ કમ્પાસ ખરીદવાનું ફાઈનલ કર્યુ હતું અને આ જીપ કમ્પાસના પેમેન્ટ પેેટે રૂા.10 લાખ ઓનલાઈન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતાં. આ ખરીદી પેટે રૂા.50 હજાર ડિલેવરી સમયે મુંબઇના બંને શખ્સોએ પરત આપવાનું કહ્યું હતું. દરમિયાન ગાડીની ડિલેવરી થયા બાદ થોડા સમય પછી બંને શખ્સોને ભાવેશે ગાડીમાં ક્ષતિ હોવાનું જણાવતા ગાડી મુંબઇ પરત મંગાવી હતી અને રીપેરીંગ કર્યા બાદ ફરીથી મોકલાવશું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ જીપ મંગાવી કાગળ અને ગાડી પરત ન કરતાં ભાવેશે બંને પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી બંને શખ્સોએ રૂા.4,60,000 પરત આપી દીધા હતાં.
ત્યારબાદ બાકીની રકમ માટે અવાર-નવાર ભાવેશ દ્વારા માંગણી કરવામાં આવતા બંને શખ્સોએ પૈસા કે ગાડી કાંઈ નહીં મલે અને જો માંગીશ તો પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવાને આ છેતરપિંડી અંગે પોલીસમાં જાણ કરતા હેકો જી આઈ જેઠવા તથા સ્ટાફે ભાવેશના નિવેદનના આધારે મુંબઇના શૈલેષ જૈન અને દાનિશ અંસારી વિરૂધ્ધ રૂા.5,40,000 ની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.