Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના રણજીતસાગર ડેમમાં ન્હાવા પડેલાં યુવકનું મોત

જામનગરના રણજીતસાગર ડેમમાં ન્હાવા પડેલાં યુવકનું મોત

રવિવારે સાંજે ફાયર ટીમ દ્વારા મૃતદેહ બહાર કઢાયો : આરામ હોટલમાં મજુરી કામ સમયે શ્રમિકનું મોત: નિકાવાના બસસ્ટેન્ડમાં હ્રદય રોગના હુમલાથી રાજકોટના પ્રૌઢનું મૃત્યુ

- Advertisement -

જામનગરના રણજીત સાગર ડેમમાં ન્હાવા પડેલાં યુવકનું પાણીમાં ગરક થઇ જતાં ડૂબી જવાથી મોત નિપજયું હતું.જામનગર શહેરની આરામ હોટલમાં મજૂરીકામ કરતાં સમયે હાથમાંથી ગ્ર્રાઇન્ડર મશીન છટકીને ગળામાં વાગતા યુવાનનું મોત નિપજયું હતું. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં બસસ્ટેન્ડ પાસે પાણી પીવા ઉભા રહેલાં પ્રૌઢને એકાએક હ્રદય રોગનો હુમલો આવતાં મોત નિપજયું હતું.

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ઠોલિયાપીર દરગાહ નજીક બાઇની વાડી વિસતારમાં રહેતો રઉફ ઇકબાલ જિંદાણી (ઉ.વ.24) નામનો યુવક રવિવારે સાંજના સમયે રણજીત સાગર ડેમ પર ફરવા ગયો હતો તે દરમ્યાન ડેમના બેઠાં પુલ્યા પાસે પાણીમાં ન્હાવા પડયો હતો તે દરમ્યાન પાણીમાં ગરક થઇ જતાં ડૂબી જવાથી મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ડેમના પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ અંગે અમિન જિંદાણી દ્વારા જાણ કરતાં હેકો.પી.એ.ખાણધર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં આવેલી આરામ હોટલમાં શનિવારે સાંજના છ વાગ્યાના અરસામાં સંજય રાજેશ ખેતાણી(ઉ.વ.32) નામનો યુવાન ગ્રાઇન્ડર મશીન દ્વારા મજૂરી કામ કરતો હતો ત્યારે અચાનક હાથમાંથી ગ્રાઇન્ડર મશીન છટકીને ગળાના ભાગે વાગતા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ કેતન દ્વારા કરાયેલી જાણના આધારે હેકો. એમ.પી.ગોરાણીયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથધરી હતી.

ત્રીજો બનાવ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી ચિત્રકૂટ ધામ સોસાયટીમાં રહેતાં રમેશ લાખાભાઇ પાંભર(ઉ.વ.56) નામના પ્રૌઢ રવિવારે સાંજના સમયે પાંચ વાગ્યાના અરસામાં કાલાવડ થી રાજકોટ જતાં હતાં તે દરમ્યાન નિકાવા બસ સ્ટેન્ડે પાણી પીવા ઉભા હતા તે દરમ્યાન અચાનક છાતીમાં દુખાવો થવાથી બેશુધ્ધ થઇ જતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર પ્રિત દ્વારા જાણ કરાતા હેકો આર.વી.ગોહિલ તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular