કાલાવડના સોરઠા ગામની મરવણ નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું. મોરારસાહેબ ખંભાલિડા ગામમાં રહેતી તરૂણીને ઈલેકટ્રીક શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે રહેતાં પ્રૌઢને કેન્સરની બીમારી સબબ મૃત્યુ થયું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં મહેશભાઈ ઉર્ફે ગંધો ચરુભાઈ દાનાભાઈ (ઉ.વ.35) નામના યુવાન ગઈકાલે સવારે પોતાના ઢોરને ચરાવવા સોરઠા ગામની મરવણ નદીના કાઠે ગયા હતાં ત્યારે નદીના પાણીમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતાં ગ્રામજનો દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતાં. પરંતુ પાણીમાં ડૂબી જવાને કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રાઘવભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે.છૈયા સહિતના સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, મોરારસાહેબ ખંભાલિડા ગામમાં રહેતી મીતલબેન યાતાભાઈ ધ્રાંગિયા (ઉ.વ.17) નામની તરૂણીને ગઈકાલે સવારના સમયે પોતાના મકાનની બાજુમા આવેલ ઇલેકટ્રીક પોલ (થાંભલો) માંથી ઈલેકટ્રીક શોક લાગતા હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત્યુ નિપજયાનું જાહેર કરતા આ અંગે યાતાભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પ્રેરણા એપાર્ટમેન્ટ બ્લોક નં.08 માં રહેતાં હિતેશકુમાર મગનલાલ દવે (ઉ.વ.54) નામના પ્રૌઢને છેલ્લાં બે વર્ષથી કેન્સરની બીમારી હતી અને તેની જામનગરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરાવ્યું હતું અને દવા ચાલુ હતી પરંતુ સારું ન થતા ગઈકાલે બપોરના સમયે તેનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.