જોડિયા તાલુકાના ખીરી ગામમાં રહેતો યુવાન સોમવારે મધ્યરાત્રિના સમયે જાંબુડાથી વોટરપાર્ક માર્ગ પરથી પસાર થતો હતો ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતાં પ્રૌઢ ખેતરમાં ઝાડના ડૂચા સાફ કરતા હતાં તે દરમિયાન એકાએક હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જોડિયા તાલુકાના ખીરી ગામમાં રહેતો વાલજીભાઈ હેમરાજભાઈ મકવાણા (ઉ.વ.33) નામનો યુવાન રવિવારની મધ્યરાત્રિના સમયે તેના બાઈક પર જાંબુડા ગામથી વોટરપાર્ક વાળા માર્ગ પર જતો હતો ત્યારે વોટરપાર્ક નજીક પહોંચતા જ બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી નીચે પડી જતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ કલ્પેશ દ્વારા જાણ કરાતા હે.કો. એચ.જી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના જામવાડીથી વેરાડના માર્ગ પર આવેલી હસમુખભાઈના ખેતરમાં સોમવારે સવારના સમયે મુકેશભાઈ રતીલાલભાઈ સીતાપરા (ઉ.વ.50) નામના પ્રૌઢ ઝાડના ડૂચા સાફ કરતાં હતાં ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી હૃદયરોગનો હુમલો આવતા પ્રથમ જામવાડીના સરકારી દવાખાને અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ભગવાનજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.