જામનગર તાલુકાના દરેડ રેસિડેન્ટ ઝોન વિસ્તારમાં આવેલી પાનની દુકાને મોબાઇલ ફોન સાથે ઉભેલા તરુણ લોખંડના વિજપોલને અડી જતાં વિજશોક લાગતાં બેશુધ્ધ થઇ જવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના જયદપુરા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં તથા મજૂરી કામ કરતાં વિવેક લતીફ ફકીર નામના શ્રમિક યુવાનનો પુત્ર કપિલ વિવેક ફકીર (ઉ.વ.15) નામનો તરુણ ગત તા. 7ના રોજ રાત્રીના સમયે રેસિડેન્ટ ઝોનમાં આવેલી રાધે પાનની દુકાને તેના પિતાનો મોબાઇલ ફોન ચાર્જ કરવા મુકી ઉભો હતો. તે દરમિયાન અચાનક બાજુમાં રહેલા લોખંડના વિજપોલને અડી જતાં વિજશોક લાગતાં બેશુધ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ તરુણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતાં હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.