લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતાં યુવાનને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં રહેતાં શ્રમિક યુવકે તેની પત્ની સાથે અવાર-નવાર બોલાચાલી થતી હતી દરમિયાન પત્ની સાથે બોલાચાલી થતા જિંદગી કંટાળીને યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
છેલ્લાં ઘણાં સમયથી યુવાનોના હૃદયરોગના હુમલાને કારણે મોત નિપજવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે. તેમાં પણ ખાસ કરીને બાળકોથી લઇ યુવાનો સુધીના ઉંમરના લોકો હૃદયરોગના હુમલાનો ભોગ બનતા હોય છે. ત્યારે લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રામ મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા સમરજીતસિંઘ દર્શનસિંઘ સિંઘ (ઉ.વ.31) નામનો યુવાન ગત તા. 13 ના રોજ સાંજના સમયે તેના ઘરે નિંદ્રાધિન થયો હતો ત્યારબાદ યુવાન બીજે દિવસે સાંજના નિંદ્રામાંથી નહીં ઉઠતા બેશુદ્ધ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હરદીપસિંહ કંચવા દ્વારા જાણ કરાતા હેકો વી સી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં આવેલા સીમ વિસ્તારમાં રમેશભાઈ અજુડિયાના ખેતરમાં મજૂરી કામ કરતો પ્રવિણભાઈ મનુભાઈ મૈડા (ઉ.વ.23) નામના શ્રમિક યુવકને તેની પત્ની સાથે અવાર-નવાર બોલાચાલી થતી હતી અને ગત તા.13 ના રોજ સવારના સમયે પત્ની તથા પરિવારના સભ્યો સાથે કપાસ વીણવાનું કામ કરતો હતો ત્યારે પત્ની સાથે બોલાચાલી થતા રિસાઈને જતો રહ્યો હતો અને ત્યારબાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મનુભાઇ દ્વારા જાણ કરાતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આરંભી હતી.