જામનગર તાલુકાના સપડા ગામની સીમમાં આવેલા ખેતરમાં ટે્રકટરની ટ્રોલીમાં કપાસનું ભુસુ સરખુ કરતા સમયે ઇલેકટ્રીક વાયરને અડી જતા જામનગરના વિપ્ર યુવાનનું મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના હાપા રેલવે કોલોની હનુમાન મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા પ્રૌઢ પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં પાણાખાણા શેરી નં.1 માં રહેતો રાજેશભાઈ દિનેશભાઈ હોરીયા (ઉ.વ.35) નામનો વિપ્ર યુવાન સોમવારે બપોરના સમયે સપડા ગામની સીમમાં આવેલા રમણિકભાઈ વિસરોલિયાના ખેતરમાં કપાસ કાપતા સમયે ટ્રેકટરની ટ્રોલીમાં કપાસનું ભુસુ સરખું કરતો હતો. તે દરમિયાન એલટી ઈલેકટ્રીક વાયર લાઇનને અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વિશાલભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના હાપા ગામમાં રેલવે કોલોની હનુમાન મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં સોમવારે સાંજના સમયે આશરે 55 વર્ષનો ભિક્ષુક પ્રૌઢ બેશુધ્ધ હાલતમાં મળી આવ્યાની રામવીરસિંહ ચૌધરી દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે પ્રૌઢને હોસ્પિટલે ખસેડવામાં આવતાં ત્યાં તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.