જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતા શ્રમિક ભાઇઓ બાઇક પર મજૂરી કામે જતા હતા તે દરમ્યાન ગામ નજીક જ બાઇક આડે ગાય ઉતરી અથડાતા અકસ્માતમાં પાછળ બેસેલા યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ઇજા થઇ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મસીતિયા ગામમાં ટાવરની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા ઇરફાન ઉમર ખફી અને તેનો ભાઇ અલ્તાફ ઉમર ખફી નામના બન્ને યુવાનો એક સપ્તાહ પૂર્વે સવારના સમયે તેમના જીજે10 ડીએચ 6583 નંબરના બાઇક પર મજૂરી કામે જતા હતા તે દરમ્યાન ગામ નજીક આવેલા ફાર્મહાઉસ પાસે પહોંચ્યા ત્યારે એકાએક ગાય બાઇક આડે આવીને અથડાતા બન્ને ભાઇઓ રોડ પર પટકાયા હતાં. જેમાં પાછળ બેસેલા અલ્તાફભાઇ ઉમરભાઇ ખફી (ઉ.વ.35) નામના અને ઇરફાન ઉમર ખફી (ઉ.વ.29) બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં અલ્તાફ ખફી નામના યુવાનનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની જાણ ઇરફાન દ્વારા કરાતા એએસઆઇ ડી.સી.ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.