જામનગર તાલુકાના ખીલોસ ગામના પાટીયા પાસે ચાલીને રસ્તો ક્રોસ કરતા પરપ્રાંતિય યુવાનને પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહને ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજસ્થાનના અજમેર જિલ્લાના વતની રાજનસિંહ સિપાઈસિંહ યાદવ (ઉ.વ.38) નામનો કુવા ગારવાની મજૂરી કરતો યુવાન ગુરૂવારે રાત્રિના સમયે પગે ચાલીને જામનગર તાલુકાના ખીલોસ ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરતો હતો તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલકે રાજનસિંહને ઠોકર મારી હડફેટે લઈ પછાડી દેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના મિત્ર ગોપાલસિંહ રાવત દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.