જામનગર-રાજકોટ બાયપાસ રોડ પર આવેલા કર્મચારીનગર નજીકથી રસ્તો ક્રોસ કરતા યુવાનને બેફીકરાઈથી આવી રહેલા ટેન્કરચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર-રાજકોટ બાયપાસ રોડ પરના કર્મચારીનગર નજીકથી ગુરૂવારે સવારના સમયે હેમલભાઈ નામના યુવાન રસ્તો ક્રોસ કરતા કરતાં હતાં તે દરમિયાન પૂરપાટ આવી રહેલા જીજે-03-એડબલ્યુ-2094 નંંબરના ટેન્કરચાલકે યુવાનને હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવને કારણે ચાલક તેનું ટેન્કર મૂકી નાશી ગયો હતો. બાદમાં બનાવ અંગેની પંકજભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા અને મૃતકના પરિવારજનોને જાણ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ નાશી ગયેલા ટેન્કરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.