જામનગરના બેડી ચાંદની ચોકમાં રહેતાં યુવાને છ માસ પૂર્વે પાડોશી સાથે થયેલી માથાકૂટનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જામનગર શહેરના એમ.પી.શાહ. ઉદ્યોગનગર મુખ્યમંત્રી આવાસ પાસે રહેતા વૃધ્ધએ પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરતા તેનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગરના બેડી વિસ્તારમાં આવેલા ચાંદની ચોકમાં રહેતાં અને રીક્ષા ચલાવતા અક્રમ હસનભાઈ સમા (ઉ.વ.25) નામના યુવાનને છ માસ પૂર્વે તેના પાડોશી સાથે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટનું મનમાં લાગી આવતા રવિવારે બપોરના સમયે તેના ઘરે છતમાં રહેલા લોખંડના પાઈપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકની માતા જરીનાબેન દ્વારા જાણ કરાતા હેકો કે.કે. ગઢવી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના એમ.પી.શાહ.ઉદ્યોગનગર મુખ્યમંત્રી આવાસ પાસે રહેતા કિરીટસિંહ હરિસિંહ જાડેજા (ઉ.વ.63) નામના વૃધ્ધએ અગમ્ય કારણોસર શનિવારે સાંજના સમયે પોતાના ઘરે ગળાફાસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે ગુમાનસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હે.કો. આર.એ.કુબાવત તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.