કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાં ખોદકામ કરતા સમયે ભેખડ ઢસી પડતા શ્રમિક યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, રાજસ્થાનના રાજસબંદ જિલ્લાના કેલવાડા તાલુકાના મજેડા ગામનો વતની અને કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયામાં રહેતો લાલરામ હજારીરામ ભીલ (ઉ.વ.22) નામનો યુવાન તેના અન્ય શ્રમિક સાથીદારો સાથે ગત તા.11 ના રોજ ગામની સીમમાં આવેલા ગીરવંતસિંહ જાડેજાના ખેતરમાં પાણીનો કુવાનું ખોદકામ કરવા ઉતર્યા હતાં. તે દરમિયાન સવારના સમયે કુવામાં ભેખડ પડતા લાલરામને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું બુધવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પરતારામ દ્વારા જાણ કરાતા હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.