લાલપુર તાલુકાના ચોરબેડી ગામની સીમમાં આવેલા ખેતરમાં કૂવાનું ખોદકામ કરતા સમયે ભેખડ ધસી પડતા યુવાનના માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના રામપર ગામના પાટીયા નજીક ધ્રોલ તરફ જતા બાઈકસવારે કાબુ ગુમાવી દેતા સ્લીપ થતા યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આબલા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો ઉમર તાલબભાઇ ગજણ (ઉ.વ.40) નામનો શ્રમિક યુવાન શનિવારે બપોરના સમયે લાલપુર તાલુકાના ચોરબેડી ગામની સીમમાં આવેલી સલીમભાઈ સમાના ખેતરના કૂવામાં ખોદકામ કરતો હતો. તે દરમિયાન અચાનક અકસ્માતે ભેખડ ધસી પડતા શ્રમિક યુવાનના માથાના ભાગે વાગવાથી ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રફિકભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.કે. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલ ગામના ચામુંડા પ્લોટમાં રહેતાં સેતારભાઇ મગનભાઈ વાઘેલા (ઉ.વ.30) નામનો યુવાન શુક્રવારે સાંજના સમયે તેના જીજે-06-ડીકે-6230 નંબરના બાઈક પર જામનગરથી ધ્રોલ તેના ઘરે જતો હતો તે દરમિયાન રામપર ગામના પાટીયા નજીક પહોંચ્યો ત્યારે કોઇ કારણસર બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી પડી ગયેલા સેતારભાઈને માથાના અને શરીરેના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વિનાભાઈ વાઘેલા દ્વારા જાણ કરાતા હેકો એચ.જી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.